Tuesday, January 13, 2015

Soups

લીલા મઠનો સૂપ

સામગ્રી :
200 ગ્રામ ફણગાવેલા લીલા મઠ,
1 લીલું મરચું,
1 કળી લસણ,
1 નાનો કપ દૂધ,
2 ચમચા ક્રીમ
વઘાર માટે :
2 ચમચી શુદ્ધ ઘી,
પા ચમચી જીરૂં,
2 ચમચા દહીં,
1 ચમચો સમારેલી કોથમીર

રીત :
સૌપ્રથમ 2 ચમચા મઠ પહેલાં કાઢી લો. વધેલા ફણગાવેલા મઠ, લીલું મરચું અને લસણની કળીને મિક્સરમાં બારીક ક્રશ કરી નાખો. સોસપેનમાં કાઢી તેમાં ક્રીમ અને દૂધ ભેળવી સહેજ ઊભરો આવવા દો. એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં જીરૂં નાખો. તે બ્રાઉન રંગનું થાય એટલે ઝડપથી આંચ પરથી ઉતારી લઈ ઠંડુ થવા દો. હવે તેમાં દહીં નાખીને એકરસ કરો. બાઉલમાં ગરમાગરમ સૂપ કાઢી તેના પર વઘાર રેડો અને ઉપર કોથમીર ભભરાવો.

કાબૂલી ચણા-ટામેટાંનો સૂપ

સામગ્રી :
1 કપ પલાળીને ફુલાવેલા કાબૂલી ચણા,
2 મધ્યમ કદની ડુંગળી,
1 ચમચો મેંદો,
100 ગ્રામ ટામેટાંનો રસ,
1 ચમચો સમારેલી કોથમીર,
1 ચમચી મીઠું,
1 ચમચી વાટેલો ગરમ મસાલો,
2 ચમચા માખણ.

રીત :
સૌપ્રથમ પલાળીને ફુલાવેલા કાબૂલી ચણામાં મીઠું અને ગરમ મસાલો નાખી 4 કપ પાણી રેડી ઉકાળો. ડુંગળીને ચોરસ ટુકડામાં બારીક સમારો. માખણ ગરમ કરી, તેમાં ડુંગળીને ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો. પછી મેંદો નાખી ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકો. તેમાં ટામેટાં અને ચણાનો રસ રેડી ઉકાળો. તે પછી ઠંડુ થાય એટલે મિક્સીમાં ક્રશ કરો અને ફરી 10 મિનિટ સુધી ઉકાળો. કોથમીર અને બાફેલા ચણા નાખી તળેલી બ્રેડ સાથે પીરસો.

મેવા છાશ સૂપ

સામગ્રી :
4 કપ છાશ,
1 કપ ક્રીમ,
1 ચમચો માખણ,
1 ચમચો કાજુનો પાઉડર,
1 ચમચો વાટેલી બદામ,
1 ચમચો વાટેલાં પીસ્તાં,
1 ચમચો તળીને વાટેલા મખાના,
2-3 લવીંગ, 1 ચમચી મીઠું,
1 ચમચી મરીનો પાઉડર,
અડધી ચમચી શેકીને વાટેલું જીરૂં,
1 લીંબુનો રસ, 5-6 બદામ, 5-6 પિસ્તાં.

રીત :
સૌપ્રથમ માખણ ગરમ કરી, તેમાં લવીંગનો વઘાર કરો. તેમાં બધો વાટેલો મેવો નાખી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. પછી આંચ પરથી ઉતારી લો. તેમાં છાશ અને ક્રીમ નાખો. લીંબુનો રસ, મીઠું અને મસાલો નાખી એકરસ કરો. મેવાથી સજાવટ કરો અને પીરસો.

ચોળાનો સૂપ

સામગ્રી :
1 વાટકી ચોળા,
અડધી વાટકી દહીં,
પા ચમચી જીરૂં, પા ચમચી મરીનો પાઉડર,
પા ચમચી મીઠું, 1 લીંબુ, 1 ચમચી ઘી,
3-4 પાન મીઠો લીમડો, 1 ચમચો સમારેલી કોથમીર.

રીત :
સૌપ્રથમ ચોળામાં મીઠું નાખીને ત્રણ વાટકી પાણી રેડી એટલા ઉકાળો કે તે એકદમ ગળી જાય. ઠંડા થાય એટલે તેમને ગાળી લો. આ ગાળેલા પાતળા મિશ્રણમાં ઘોળેલું દહીં અને મરી ભેળવી પાંચ મિનિટ સુધી ઉકાળો. ઘી ગરમ કરો. જીરાને મીઠા લીમડાનો પાનનો વઘાર કરી લીંબુ અને કોથમીર નાખી ચોળાના સૂપનો સ્વાદ માણો.

સૂરણનો સૂપ

સામગ્રી :
250 ગ્રામ તાજા સૂરણ,
250 ગ્રામ તાજું દહીં,
1 ચમચી મીઠું,
અડધી ચમચી ગરમ મસાલો,
થોડું આદુનું છીણ, 1 લીલું મરચું, 1 લીંબુ.

રીત :
સૌપ્રથમ સૂરણને ધોઈને 1 કપ પાણી સાથે આદુનું છીણ અને લીલું મરચું નાખી પ્રેશર કૂકરમાં ત્રણ સીટી વાગે ત્યાં સુધી ઉકાળો. ઠંડુ થાય એટલે હાથથી દબાવી મોટાં બાઉલમાં તેનો રસ નિચોવી નાખો અને દહીં સાથે મિક્સરમાં નાખી એકરસ કરો. બધો મસાલો નાખી કાચા પૌંઆ ભભરાવી નવશેકા સૂપ પીરસો. શિયાળામાં આ સૂપ શરદીમાં રાહત આપે છે.

No comments:

Post a Comment